પાટણ: પદ્મનાભ ચોકડી પાસે ભૂવો પડતાં ટ્રાફિક ખોરવાયો, પાલિકા અને પોલીસ વચ્ચે ખેંચતાણ
પાટણ શહેરના પદ્મનાભ ચોકડી પાસે રવિવારના રોજ મુખ્ય માર્ગ પર અચાનક મોટો ભૂવો પડતા વાહનચાલકો અને રાહદારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા સમય પહેલાં જ જીયુડીસી દ્વારા આ માર્ગ પર પાઈપલાઈન નાખવાની કામગીરી કરાઈ હતી. જોકે સતત વરસાદના કારણે માર્ગની જમીન બેસી જતાં મોટો ખાડો પડી ગયો હતો, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતાઓ ઉભી થઈ હતી.
સંદર્ભમાં જાણકારી મળતા પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે જીયુડીસી તેમજ આરએન્ડબી વિભાગને જાણ કરી અને તાત્કાલિક મદદ માટે તેમનો સંપર્ક કર્યો. પાલિકા અને જીયુડીસી ટીમોએ સાથે મળીને JCB મશીનની મદદથી ભૂવો પૂરવાનો કાર્ય શરૂ કર્યો.
પરંતુ આ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા અંગે પોલીસ તંત્રનો અભાવ સ્પષ્ટ દેખાયો. પાલિકા પ્રમુખે પદ્મનાભ પોલીસ ચોકીના સ્ટાફને માર્ગ ડાયવર્ઝન અંગે જાણ કરવા છતાં પણ કોઈ પણ પોલીસકર્મી તેમની જગ્યાથી હલ્યો નહિ. આ અંગે વાત કરતા એએસઆઈ બારોટે તોછડી ભાષામાં જવાબ આપતા જણાવ્યું કે “આ અમારી ફરજમાં આવતું નથી.”
આ ઘટનાથી દુખી થયેલા પાલિકા પ્રમુખે સીધા જિલ્લા પોલીસ વડાને ફોન દ્વારા સમગ્ર માહિતી આપી. ત્યારબાદ મળેલી સૂચના પ્રમાણે પોલીસ સ્ટાફે ફાઈનલ ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ શરૂ કર્યું અને માર્ગ ડાયવર્ટ કરીને વાહન વ્યવહાર સુસંગત બનાવાયો.
ત્રણ કલાક સુધી સતત જહેમત પછી ભૂવો પુરાયો અને બંને બાજુના માર્ગ ફરીથી ચાલુ કરવામાં આવ્યા. આ ઘટનામાં કડક કાર્યવાહીની માગ સાથે પાલિકા પ્રમુખે ઉધ્ધત વર્તન કરનાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવાની રજૂઆત પણ જિલ્લા પોલીસ વડા સમક્ષ કરી છે.