પાટણના 70 જૂના મકાનો પર તૂટી પડશે પાલિકાની લાલ આંખ – મકાનમાલિકોને મળ્યું નોટિસ, 40 વર્ષથી પણ વધુ જૂનાં મકાનો જર્જરિત જાહેર

પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં શાહના પાડામાં જવાના મુખ્ય માર્ગ પર આવેલ જુનું મકાન આજુબાજુના રહીશો માટે ભયનું કેન્દ્ર બની ચૂક્યું છે. હાલ મકાન લાકડાના ટેકાથી ઊભું છે અને કોઈપણ ક્ષણે ધરાશાયી થવાની ભીતિ છે. સ્થાનિક રહીશ મહેન્દ્રભાઈએ ચિંતા વ્યક્ત કરી છે કે જો આ મકાન તૂટી પડશે તો મોટી જાનહાની ચોક્કસ થઈ શકે છે.

પાટણ નગરપાલિકા ચોમાસા પહેલા હલનચલનમા
શહેરના જુના વિસ્તારોમાં આવેલા 40 વર્ષથી પણ વધુ જૂના 70 ભયજનક મકાનો સામે પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. મકાનમાલિકો અને ભાડુઆતોને 7 દિવસની અંદર મકાન તોડી પાડવા કે મરામત કરવા નોટિસ ફટકારાઈ છે. ઘણા મકાનોમાં માલિક અને ભાડુઆત વચ્ચે વિવાદ છે, જેને ધ્યાનમાં રાખીને બંને પક્ષોને નોટિસ અપાઈ છે.

મ્યુનિસિપલ એક્ટ મુજબ કાયદેસર પગલાં
ચાચરીયાના મોટા પાડા વિસ્તારમાં આવેલા રસીલાબેન નાનાલાલ ભગવાનદાસના મકાન માટે, પાલિકા મુખ્ય અધિકારીએ મ્યુનિસિપલ અધિનિયમની કલમ 182(2) મુજબ નોટિસ આપી છે. મ્યુ.સે.નં. 10055/21/19 હેઠળ આવતું આ મકાન અત્યંત જર્જરિત હોવાનું જાહેર થયું છે. આજુબાજુના મકાનો અને જાહેર જનતાને નુકસાન થવાની પૂરી શક્યતા છે.

વોર્ડ ઇન્સ્પેક્ટરના રિપોર્ટ આધારિત કાર્યવાહી
9 જૂન 2025ના રિપોર્ટના આધારે, પાલિકાએ 17 જૂન 2025ના રોજ 7 દિવસની અંદર કાર્યવાહી માટે નોટિસ આપી છે. જો સમયમર્યાદામાં પગલાં ન લેવાય તો પાલિકા કાયદેસર પગલાં લઈ શકશે. મિલકત અંગે કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો તેનો જવાબદારીભર્યો ઉકેલ માલિકે જ લાવવાનો રહેશે.

સીલ અને તોડફોડની શક્યતા
પાલિકા ચીફ ઓફિસર અલ્પેશ પટેલના જણાવ્યા અનુસાર પહેલા પાલિકા હસ્તગત મિલકતોમાં દુકાનદારો અને ભાડુઆતોને નોટિસ આપી મકાન સીલ કરવાની કાર્યવાહી થઈ રહી છે. હવે ખાનગી માલિકીના 70થી વધુ ભયજનક મકાનો માટે પણ કડક પગલાં લેવાશે. જો મકાનનું આર.સી.સી. બાંધકામ પણ જોખમરૂપ જણાશે તો તે તોડી પાડવામાં આવશે.

શહેરજનો માટે ચેતવણી:
જો તમારા વિસ્તારમાં પણ એવું જર્જરિત મકાન હોય તો પાલિકાના નોટિસ પર ધ્યાન આપો અને અવકાશમાં ખતરો ટાળો.

Leave a Comment