પાટણ: નોકરીની લાલચ આપી યુવતીને લસ્સીમાં નશીલું પીવડાવી દુષ્કર્મ – ખેલ સહાયક શિક્ષક સામે ગંભીર આરોપ

પાટણ: નોકરીની લાલચ, ચાતુરાઈથી બનાવી મિત્રતા અને પછી દુષ્કર્મ! આવી જ દુ:ખદ ઘટના પાટણમાં ઘટી છે, જ્યાં એક અનુસ્નાતક યુવતીને નોકરીના બહાને હોટલમાં બોલાવીને નશીલું પાવડર આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યારબાદ ફોટા વાઈરલ કરવાની ધમકી આપીને લગ્નના કાગળમાં બળજબરીથી સહી લેવાઈ હતી.

ઘટના વિગતે:
ધાનેરાના નાનામેડા ગામના રહેવાસી અને હાલમાં બનાસકાંઠામાં ખેલ સહાયક તરીકે કરાર આધારિત નોકરી કરતા અરવિંદ ગોકળભાઈ ચૌધરીએ યુવતી સાથે પહેલીવાર સૂર્યોદય કોલેજ, ધાનેરા ખાતે વક્તૃત્વ સ્પર્ધા દરમિયાન પરિચય કર્યો હતો. ત્યારપછી પાટણમાં યુવતી અભ્યાસ માટે ગઈ ત્યારે આરોપીએ જણાવ્યું કે, “મારી રાજકારણમાં મોટી ઓળખાણ છે, તને નોકરી અપાવી દઈશ – બસ જે કહું તે કરજે.”

ફેબ્રુઆરીમાં પાટણની નવજીવન હોટલમાં બોલાવી, લસ્સીમાં નશીલું પદાર્થ આપ્યું. યુવતી અર્ધબેહોશ થઈ ગઈ અને અરવિંદે તેનો દુષ્કર્મ આચર્યો તથા અશ્લીલ ફોટા પાડ્યા. ભાનમાં આવતાં યુવતીના કપડાં વેરવિખેર હતા. આરોપીએ ધમકી આપી કે, “ફોટા વાયરલ કરી દઈશ.”

પછી 17 માર્ચ, 2025ના રોજ પાટણ કોર્ટ બહાર યુવતી પાસે લગ્નના દસ્તાવેજ પર બળજબરીથી સહી કરાવી, તેના પરિવારથી દૂર કરી નાનામેડા ગામે લઈ ગયો અને કહ્યું કે, “હવે તું મારી પત્ની છે, લખાણ મારી પાસે છે.”

યુવતીના જણાવ્યા મુજબ, ઘરમાં રાખી રાત્રે ફરી દુષ્કર્મ આચર્યું, અને સતત ધમકીથી ડરીને તે કોઈને પણ કંઈ કહી શકી ન હતી. બાદમાં હિંમત કરીને પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

કાયદેસર કાર્યવાહી શરૂ
તપાસ અધિકારી PSI આઈ.જી. મોરીના જણાવ્યા મુજબ, આરોપી સામે દુષ્કર્મ, ધમકી અને ફ્રોડના ગુનાઓ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. આરોપી પાસેથી ઊંઝામાં લગ્ન થયાનું મેરેજ સર્ટિફિકેટ પણ જપ્ત કરવામાં આવ્યું છે. યુવતી દાવો કરે છે કે તે બળજબરીથી સહી કરાવવામાં આવ્યું હતું.

આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને મેડિકલ તપાસ હાથ ધરાઈ રહી છે. સોમવારે આરોપીને કોર્ટમાં રજૂ કરાશે.

સાવધાન રહો – નોકરી કે ઓળખાણના નામે કોઈની વચનબદ્ધતા પર અંગત સંબંધ ન બાંધો. આવું કંઈ બને તો તરત કાયદાકીય સહાય લો.

Leave a Comment