પાટણ શહેરમાં પવિત્ર અષાઢ સુદ અગિયારસે નાની કન્યાઓ દ્વારા ગૌરીવ્રતનો વિધિવત આરંભ થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના શિવાલયોમાં ભોળેનાથના આશીર્વાદ મેળવવા માટે નાની કન્યાઓ ઊત્સાહભેર ઉપવાસ અને પૂજાવિધીમાં જોડાઈ છે. વહેલી સવારે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરીને, પુષ્પ અને ચંદનથી શિવપૂજન કરાયું હતું.
વ્રત દરમ્યાન નાની વ્રતધારિ કન્યાઓએ ઘરમાં પાંચ જાતના ધાન્યમાંથી પવિત્ર જવેરાની પૂજા કરીને ધન અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. તેમજ દિવ્ય આતરી ઉતારી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. નવા વસ્ત્રોમાં સજ્જ રહી, કન્યાઓએ શિવજીની આરાધના કરી ભક્તિમય માહોલ સર્જ્યો હતો.
આ ગૌરીવ્રત પાંચ દિવસ સુધી ચાલે છે જેમાં કન્યાઓ ઉપવાસ રાખીને માત્ર મોળી વસ્તુઓનું સેવન કરે છે. પાટણ શહેરમાં આ વ્રતના પ્રારંભથી જ અધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થઇ રહ્યો છે અને તમામ પરિવારોમાં ભક્તિભાવનો માહોલ વ્યાપ્ત થયો છે.