પાટણ: માત્ર ગુગલ પર જ હતી HNGU સંલગ્ન ‘પંચજન્ય કોલેજ’, વિધાર્થીનીના ટ્રાન્સ્ક્રીપ્ટ મામલે ફાટી નીકળી હકીકત
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) સાથે સંલગ્ન હોવાનું દાવો કરનાર વડોદરાની પંચજન્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ નામની કોલેજ માત્ર ગુગલ પર હાજર હોવાનું ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. નવસારીની વિદ્યાર્થિની પોતાનું ટ્રાન્સ્ક્રિપ્ટ સર્ટિફિકેટ લેવા HNGU કેમ્પસે પહોંચી ત્યારે સમગ્ર હકીકત બહાર આવી હતી.
વિદ્યાર્થીએ જણાવ્યું કે તેણે બી.બી.એ. અને એમ.બી.એ.માં પ્રવેશ માટે “પંચજન્ય કોલેજ” વિશે માહિતી ગુગલ પરથી મેળવી હતી. ત્યારબાદ એક અજાણ્યા વ્યક્તિ, તેજસ મજમુદારના નામે, વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને વોટ્સએપ કોલ અને મેસેજ દ્વારા માત્ર ઓનલાઇન વાતચીત કરીને એડમિશનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તમામ અભ્યાસ અને પરીક્ષાઓ ઓનલાઇન લેવાતી હતી.
જ્યારે વિદ્યાર્થીઓએ મળેલા સર્ટિફિકેટ્સ HNGUમાં વેરિફાઇ કરવા માંગ્યા ત્યારે ખોટું કૌભાંડ બહાર આવ્યું. સૌથી મોટો ખુલાસો એ થયો કે 2024ના સર્ટિફિકેટમાં 2022માં અવસાન પામેલા HNGUના રજીસ્ટ્રાર ડો. ડી.સી. પટેલની સહી દર્શાવવામાં આવી હતી.
કોલેજના રજિસ્ટર્ડ એડ્રેસ પર તપાસ કરતાં ત્યાં બાળકોની પ્લે-ઝોન દુકાન હોવાનું સામે આવ્યું. હાલ HNGU પરીક્ષા વિભાગે આ સમગ્ર મામલે વિગતવાર તપાસ શરૂ કરી છે અને આશંકા છે કે અનેક વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે.